વાલોડના ઇનમા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફળીયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં ગીતો ગાવા જવા બાબતે થયેલી તકરારમાં પતિએ ઉશ્કેરાઈ જઈ પોતાની પત્નીને કુહાડીના દંડા વડે માર મારતા પત્નીનો હાથ ભાંગી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
મળતી વિગતો પ્રમાણે વાલોડ તાલુકાના ઇનમા ગામના વાંસ ફળીયામાં રહેતા સંગીતાબેન કલ્પેશભાઈ હળપતી (ઉ.વ. ૪૦), જેઓ ટોકરવા ગામની આંગણવાડીમાં કાર્યકર તરીકે નોકરી કરે છે, તેમણે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રવિવારે રાત્રે આશરે ૮:૩૦ કલાકે જ્યારે સંગીતાબેને તેમના ફળીયામાં રહેતા વિનોદભાઈની દીકરીના લગ્નમાં ગીતો ગાવા જવાનું જણાવ્યું, ત્યારે તેમના પતિ કલ્પેશભાઈએ જવાની ના પાડી ગાળાગાળી શરૂ કરી હતી. તકરાર વધતા કલ્પેશભાઈએ ઉશ્કેરાઈ જઈ સંગીતાબેનને ઢીંકમુક્કીનો માર માર્યો હતો અને ત્યારબાદ પાસે પડેલી કુહાડી ઉઠાવી હુમલો કર્યો હતો. સંગીતાબેને બચાવ માટે હાથ આડો ધરતા કુહાડીનો દંડો તેમના ડાબા હાથની કોણી નીચે વાગ્યો હતો, જેના કારણે તેમને ગંભીર ફેક્ચર થયું છે. ઈજાગ્રસ્ત સંગીતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાલોડ પોલીસે આ મામલે કલ્પેશભાઈ રવજીભાઈ હળપતી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

