વ્યારાના ઈન્દુ પાસે નેશનલ હાઇવે ઉપર રેડીયમ પટ્ટી કે રીફલેકટર વિના થોભાવેલા કન્ટેનરની પાછળ મરઘા ભરેલ બે ટેમ્પા એક અબ્દ એક વારાફરતી અથડાતા ત્રિપલ વાહનોના ગમખ્વાર અકસ્માતમાં એક ટેમ્પાચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું, જયારે અન્યને ઇજા થઈ હતી.
મળતી માહિતી અનુસાર વ્યારાના ઇન્દુ ગામથી વ્યારા સીંગી તરફ જવાના પુલ ઉપર તા.૦૮/૦૨/૨૦૨૬ની રાત્રિએ કન્ટેનર નંબર ટીએસ/૦૮/યુબી/૪૦૦૧ ફસ્ટ લેનમાં ઉભું રાખેલું હતું, કન્ટેનરની પાછળ કોઈ રેડીયમ પટ્ટી લગાડેલ ન હોય તેમજ રીફલેકટર પણ મુકેલ ન હતી, પાર્કીંગ લાઈટ પણ બંધ હાલતમાં તેમજ કોઈ આડાશ પણ ન હોય તે રીતે મુકેલ કન્ટેનરની પાછળ મરઘા ભરીને સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો નંબર જીજે/૧૯/વાય/૩૮૩૦ ના ચાલકને કન્ટેનર અંધારામાં જોવામાં ન આવતા ટેમ્પો ધડાકાભેર કન્ટેનરની પાછળ ભટકાતા ટેમ્પાનો સામેનો હિસ્સાનો ખુરદો વળી ગયો હતો, જયારે થોડી જ વખતમાં અન્ય એક મહીન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/ઝેડ/૪૧૪૧ કન્ટેનરની પાછળ ભટકાયો હતો. ગોઝારા અકસ્માતમાં ટેમ્પા ચાલક અબ્બાસ નિજામુદ્દીન શેખ(રહે.પ્લોટ નં.૩૬, સોએબ નગર-બી, ઉન ગામ, તા. ચોર્યાસી, જી.સુરત) નું માથું, છાતીનો ભાગ તથા બંને પગ શરીર ચગદાઈ જતા જેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું, ભારે જહેમત બાદ ડ્રાઇવરનો કેબિનની અંદર ફસાયેલ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. કલીનર આરીફખાન ગનીખાન પઠાણ તથા મહીન્દ્રા પીકઅપ ટેમ્પાના ચાલકને વત્તી-ઓછી ઈજા સાથે બચાવ થયો હતો.

