તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તાપી જિલ્લાશિક્ષણાધિકારી સમક્ષ બોર્ડ પરીક્ષાલક્ષી પ્રશ્નોની રજૂઆત અર્થે ગયા હતા. જ્યાં તેમની સાથે મહિલા શિક્ષણાધિકારીએ અશોભનીય વ્યવહાર કરીને “Get Out” જેવા શબ્દનો પ્રયોગ કરી અપમાનિત કર્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેથી આ અધિકારીની તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો સાથે તાપી જિલ્લામાં ફરજ બજાવતા મહિલા જિલ્લા શિક્ષણાધિકારીએ અશોભનીય વ્યવહાર કરી અપમાનિત કરાયા હોવાના આક્ષેપ સાથે ગુરુવાર નારોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું હતું કે,ગત વર્ષે માર્ચ -૨૦૨૫માં જિલ્લા પરીક્ષા સમિતિમાં બોર્ડના નિયમાનુસર સંચાલક મંડળના હોદ્દેદારો અપેક્ષિત હોવા છતા પણ સંચાલકોની ઉપેક્ષા કરવામાં આવી હતી, ચાલુવર્ષે આગામી દિવસમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ચાલુ થશે. જે સંદર્ભના પ્રશ્નો અંગે રજૂઆત અર્થે ગયેલા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીએ ન સાંભળી તરત જ બાળકોની બોર્ડ પરીક્ષા બાબતે સંકલન કરવાની જવાબદારી તમારી પણ થાય છે.
જિલ્લા બોર્ડ પરીક્ષા સમિતિમાં આચાર્ય ગૃપના માધ્યમથી જણાવવામાં આવશે, તમારે આવવાનું રહેશે કોઈ અલગથી પત્ર વ્યવહાર નહીં થાય કહી સ્ટાફની સામે જ હોદ્દેદારો સાથે અવિવેક વાણી, અભદ્ર વર્તન વ્યવહાર કરી “Get Out” કહી અપમાનિત કર્યાના આક્ષેપો કરાયા છે.જિલ્લા શિક્ષણાધિકારી આવી રીતે સંચાલકોને અપમાનીત કરે તે ચલાવી કે સાખી લેવાઈ નહી જેઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ત્રણ દિવસમાં લેવામાં આવે, જો કોઈ કાર્યવાહી ન થાય તો અપવાસ-ધરણા, રેલી વિગેરે કરવા તથા બોર્ડની પરીક્ષામાં સંચાલકો પોતાના માલિકીના શાળા મકાનના વર્ગખંડો આપવા માટે બહિષ્કાર કરાશે જેવી ચીમકી ઉચ્ચારી છે.

