મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પાસેથી પોલીસ દ્વારા એક બંધ બોડીના કન્ટેનરમાંથી રૂપિયા 46 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યા છે. આ પોલીસ માટે એક મોટી સફળતા છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, કતવારા પોલીસ ખંગેલા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગમાં હતી, ત્યારે મધ્યપ્રદેશ તરફથી આવતા એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં કુલરની ઝાળીઓના બોક્સ ભરેલા દેખાતા હતા. જોકે, પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા આ બોક્સની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 287 પેટીઓ મળી આવી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 46,51,200 જેટલી થાય છે.પોલીસ દ્વારા આ મામલે ટ્રક ચાલક તારીફખાન સૈયદ (ખાન) (રહે. હરિયાણા) ની સ્થળ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગેના રહસ્યો ખુલવાની શક્યતા છે. કતવારા પોલીસ દ્વારા હાલમાં મુખ્ય સપ્લાયર અને ચાલક સહિત કુલ બે ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લવાયો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. બોર્ડર પર પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

