સુરત શહેરના લિંબાયત ઝોનની ટેક્સ વિભાગની ટીમે સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં તવાઈ બોલાવી હતી. જે વેપારીઓએ અનેક નોટિસો આપ્યા બાદ પણ વેરાની ભરપાઈ કરી ન હતી, તેમની દુકાનો પર સીલ મારવામાં આવ્યું હતું. આ જોરદાર કાર્યવાહીને પગલે આસપાસના અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની કડક કાર્યવાહીના પડઘા રૂપે અનેક વેપારીઓએ પોતાની મિલકતો સીલ થતી બચાવવા માટે સ્થળ પર જ ટેક્સ ચૂકવવાની તૈયારી બતાવી હતી.
સુરત મનપાની આ ઝુંબેશ એટલી અસરકારક રહી કે, કેટલાય વેપારીઓએ સ્થળ પર જ બાકી વેરાની રકમની ભરપાઈ કરી દીધી હતી. પાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, આજની આ આખી કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 43.74 લાખ જેવી મોટી રકમની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આગામી દિવસોમાં પણ સુરતના અન્ય ઝોનમાં આ પ્રકારે ટેક્સ વસૂલાતની કામગીરી વધુ તેજ કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

