વાલોડના બાજીપુરાના હાર્ડવેરના વેપારી દ્વારા પાંચ ગ્રાહકોને લોખંડના સળિયા તથા સિમેન્ટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી એડવાન્સ બુકીંગ પેટે રોકડ તથા ગુગલ પે દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી માલસામાન પુરો નહિ પાડી ૫.૪૫ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો.
વિગતો પ્રમાણે વાલોડ ટાઉનમાં સંજય પારસમલ શાહ (રહે,બાજીપુરા)ની નાકોડા હાર્ડવેર નામની દુકાન આરબી પ્લાઝામાં આવેલી છે. વિમલ જશવંત ચૌધરી (રહે,નવા ફળિયુ વાલોડ) સંજય શાહની દુકાને લોખંડના સળિયા તથા સિમેન્ટનો માલસામાન બુકીંગ કરાવવા ગયા ત્યારે વેપારીએ લોખંડના સળિયા અને સિમેન્ટ સસ્તા ભાવે આપીશુ તેવુ જણાવી વિશ્વાસમાં લઈ એડવાન્સ બુકીંગ પેટે વિમલ ચૌધરી પાસે ૨.૫૦ લાખ તથા મનોજ માવજીભાઈ (રહે. મોરદેવી તા,વાલોડ) પાસે ૬૦ હજાર તેમજ ધનશ્યામ મનુભાઈ ચૌધરી (રહે કુંભીયા,તા, ડોલવણ) પાસે ૯૦ હજાર, લાલસિંગ મંગા હળપતિ (રહે મોરદેવી,તા,વાલોડ) પાસે ૭૫ હજાર, પિયુષ ઉમેદ ચૌધરી (રહે, મોરદેવી,તા,વાલોડ) પાસે ૭૦૨૩૦/- મળી કુલ્લે ૫ ગાહકો પાસેથી ૫,૪૫,૨૩૦/- એડવાન્સ બુકીંગ પેટે રોકડ તથા ગુગલ પે દ્વારા ઓનલાઈન ટાન્સફર કરાવી લીધા હતા.ત્યાર બાદ માલસામાન પુરો નહિ પાડી તેમજ તેમના નાણા પરત નહિ આપી છેતરપિંડી કરતા ભોગ બનેલા વિમલ જશવંતભાઈ (રહે,વાલોડ નવા ફળિયા) એ સંજય પારસમલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

