વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલો થયો છે અને ચાઇનીઝ દોરીના દરોડા દરમિયાન હુમલો થયો હોવાની વાત સામે આવી છે, હુમલો કરનાર મહિલા સહિત અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે અને બાતમીના આધારે પોલીસે પાડ્યો હતો દરોડો. સ્થાનિકો દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ચાઇનીઝ દોરી વેચનાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે વલસાડમાં ચાઇનીઝ દોરી પ્રતિબંધ ઝુંબેશ ચાલી રહી છે તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસ છાપો મારવા ગઈ હતી અને તે વેળા પોલીસ કર્મી પર હુમલો થતા વલસાડ સીટી પોલીસ મથકના પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને હાલ પોલીસ હુમલો કરનારાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણ પહેલા સમગ્ર ગુજરાતમા મોટાપ્રમાણમાં ચાઇનીઝ દોરી સપ્લાય કરવા માટે સેલવાસમાં ગેરકાયદે ફેક્ટરી ઝડપાઈ ગઈ હતી જેના માલિત વિરેન પટેલની સ્પેશીયલ ઓપરેશન ગુપના સ્ટાફે વાપીથી ધરપકડ કરી હતી. આ ફેકટરીની સાથે સાથે જ અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, કોઠ તેમજ અન્ય વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ફેક્ટરીમાંથી રૃપિયા દોઢ કરોડની કિંમતની ૫૦ હજારથી વધુ ચાઈનીઝ દોરીની ફીરકી અને મશીનરી સહિત અઢી કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.હાલમાં કરેલી પ્રાથમિક તપાસમાં ચાઇનીઝ દોરીનું મોટુ નેટવર્ક ધમધમતુ હોવાની માહિતી સામે આવી છે. સાણંદના રમણગઢ ગામમાંખી ચાર શખ્સોને ચાઈનીઝ દોરીની ૧૯૦૦ જેટલી રીલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત, બગોદરા, બાવળા અને ધોળકામાં પણ પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.

