નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોકમપુરા ગામમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાના સગા પુત્રની માથામાં જીવલેણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. આ મામલે મૃતકની પત્ની તારાબેન ચૌહાણે પોતાના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અહેવાલ મુજબ, આ ઘટના 6 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7:00 વાગ્યાની આસપાસ શેઢી નદીના કિનારે બની હતી. હત્યા પાછળનું મુખ્ય કારણ પારિવારિક ક્લેશ અને જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેની નાની બહેનના લગ્ન તેના દિયર સાથે થયા હતા, પરંતુ સસરાના ત્રાસને કારણે છૂટાછેડા થયા હતા.ત્યારથી સસરા પ્રતાપસિંહ ફરિયાદી અને તેના પતિ કમલેશભાઈ વચ્ચે પણ છૂટાછેડા કરાવવા માંગતા હતા, પરંતુ કમલેશભાઈએ ના પાડતા પિતા તેમના પુત્ર પર અદાવત રાખતા હતા. આ ઉપરાંત, જમીન બાબતે કાકા સસરા સાથેના સારા સંબંધો પણ આરોપી પિતાને ખટકતા હતા.ઘટનાની વિગત મુજબ ગત મંગળવારે સાંજે જ્યારે કમલેશભાઈ કુદરતી હાજતે જવા માટે નદી તરફ નીકળ્યા, ત્યારે આરોપી પ્રતાપસિંહ પણ તેમની પાછળ ગયા હતા. થોડી વાર પછી કમલેશભાઈની ચીસ સંભળાતા પત્ની અને દેરાણી તેમને શોધવા નીકળ્યા હતા. તે સમયે આરોપી સામા મળ્યા હતા અને ‘હું તપાસ કરું છું’ તેમ કહી તેમની પાસેથી બેટરી અને લાકડી લઈ લીધી હતી અને મહિલાઓને આગળ વધતા અટકાવી દીધી હતી.
આરોપીએ ગુનો છુપાવવા માટે અનેક બહાના બનાવ્યા હતા. તેણે પરિવારને ખોટું કહ્યું કે કમલેશને ચક્કર આવ્યા છે અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, જ્યારે કમલેશભાઈને પરત લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હાલતમાં હતા અને તેમના માથામાં ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા હતા. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન પણ માથામાં ત્રણથી ચાર જીવલેણ ઘા હોવાનું સ્પષ્ટ થયું હતું.આરોપીએ પોતાની હાજરી છુપાવવા માટે બીજા રસ્તેથી ઘરે પરત ફરીને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પત્નીને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી, જેના આધારે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી.

