સુરત શહેરમાં RTI ના કાયદાનો દુરૂપયોગ કરી ખંડણી માંગવાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડવામાં ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેક ઉર્ફે અભી લલિતભાઈ વોરાને સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, આરોપી અભિષેક વોરા RTI હેઠળ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરી માહિતી માંગતો હતો. આ માહિતીનો ઉપયોગ તે સંબંધિત વ્યક્તિઓ કે સંસ્થાઓને ડરાવવા અને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં (ખંડણી) પડાવવા માટે કરતો હતો. આ મામલે તેની સામે ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હતા. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો.સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સક્રિય હતી. ચોકબજાર સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખંડણીના ગુનાનો વોન્ટેડ આરોપી અભિષેક વોરા ચોક્કસ વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો.આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. RTI ની આડમાં તેણે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ઉધના પોલીસને પણ આ ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે, જેથી તેઓ પણ પોતાના ગુનાની તપાસ આગળ વધારી શકે.

