વ્યારાના કટાસવાણ ગામની સીમમાં રામદેવ હોટલ ખાતે પાર્ક કરેલ ટ્રેલરોમાંથી ડીઝલ ચોરાયાનો ગુનો કાકરાપાર પોલીસ મથકે નોંધાયાના ગણતરીના કલાકોમાં ડીઝલ ચોરોને તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી લઇ રૂ.૧.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ આરોપીઓ રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલો ઉપર પાર્કીંગ કરાતા ટ્રકો, ટેમ્પા જેવા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા હતા.
મળતી વિગતો પ્રમાણે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતો સુરત-ધુલિયા નેશનલ હાઈવે ઉપર કટાસવાણ ગામની સીમમાં રામદેવ હોટલના પાર્કીંગમાં પાર્ક કરેલ બે ટ્રેલરોમાંથી તા.૧૬-૧૨-૨૫ ની રાત્રિએ ૪૧૦ લીટર ડીઝલની ચોરી થઈ હતી, જે અંગેની ફરિયાદ ટ્રેલરચાલકએ કાકરાપાર પોલીસ મથકે કરી હતી. તાપી જિલ્લા લોકલ ક્રાંઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા અનડીટેક્ટ ગુના ઉકેલવા તપાસ અર્થે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન એલ.સી.બી.ના હે.કો.વિનોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રાહે ડીઝલ ચોરીના આરોપીઓ અંગે બાતમી મળી હતી.
જેના આધારે ડીઝલ ચોરીમાં સંડોવાયેલ અશ્વીન ઉર્ફે ડેબો નવીન ગામિત ગામીત(રહે.ઈન્દુ ગામ,ઈન્દીરા કોલોની ફળીયું,તા.વ્યારા)ને ઝડપી પાડી જેની પુછપરછ દરમિયાન અન્ય એક ઇસમ સાવન અરવિંદભાઈ ગામીત (રહે.વાસકુઈ, તા.વ્યારા) નું નામ બહાર આવ્યું હતું. બંને ઈસમોએ ટ્રેલરોમાંથી ડીઝલની ચોરી કરી હતી, જેઓ પાસેથી ૪૦૦ લીટર રૂ.૩૬૦૦૦/- નું ડીઝલ તથા ગુનામાં વપરાયેલ અલ્ટો કાર મળી કુલ રૂ.૧,૮૬,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે કાકરાપાર પોલીસને સોંપવામાં આવ્યા છે.

