સોનગઢ તાલુકાના છેવાડે આવેલા મલંગદેવ ગામની શ્રી મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે. મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા દૂધ મંડળીના પ્રમુખની જાણ બહાર સભાસદોના નામે ખોટી રીતે એડવાન્સ રકમ ઉપાડી છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મંડળીના સભાસદોએ પોલીસ અરજી કરી છે.
માહિતી મુજબ, મંડળીના મંત્રી તથા વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યો ભેગા મળી કાવતરું રચ્યું હોવાના આક્ષેપો થયા છે. સભાસદોની જાણ બહાર ખોટા દસ્તાવેજોના આધારે સભાસદોના નામે એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું આરટીઆઈ દ્વારા કરાયેલી અરજીમાં ખુલાસો થયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂપિયા ૩૧,૩૭,૨૨૨/-ની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ફરિયાદી સભાસદે જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા પશુપાલન કરીને મંડળીમાં દૂધ ભરાવે છે અને તેમાંથી મળતી આવકમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંડળીના વહીવટમાં આવી ગેરરીતિ સામે આવતાં સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈ સભાસદોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સોનગઢ પોલીસ મથકે અરજી આપી હતી.

