Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

હાઈવે પર નંબર પ્લેટ વગરની બાઈક અને મોપેડ પર લૂંટારુઓએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી

નવસારીની ફાઈનાન્સ કંપનીમાં ઉઘરાણીનું કામ કરતાં બે કર્મચારીઓ પોતાની મોટરસાઈકલ પર મહુવા, કરચેલીયા તથા વ્યારા ખાતેથી કંપનીના નાણાનું કલેક્શન કરીને નવસારી જઈ રહ્યા હતા તે દરમિયાન બારડોલીથી નવસારી રોડ પર તાજપોર ગામ પાસે એક નંબર પ્લેટ વગરની સ્પોર્ટ્સ મોટરસાઈકલ અને એક એક્ટિવા પર સવાર છ લૂંટારુઓએ આંતર્યા હતા. આ બંનેને બારડોલીથી પલસાણા નેશનલ હાઈવે પર આવેલી જાન્વી મોટર્સ સામે લાવી મારમારી ચપ્પુની અણીએ રોકડા રૂ.૨૪,૫૦૦ની લૂંટ ચલાવી કંપનીના મેનેજર પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો બનાવ બનવા પામ્યો છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ ત્રણ દિવસ પછી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર નવસારીની શ્રી ક્રિષ્ના ફાઈનાન્સ કંપનીના બે ઉઘરાણી કર્મચારી નવીન કાર્તિકેયાન તગવેલ (હાલ રહે. કૌશલ્યા પાર્ક સોસાયટી, ઘર નં. ૩૯/૧,જલાલપોર, નવસારી મૂળ રહે.અટરીરોડ, પલાની ડિડીંગૂલ, તામિલનાડુ) અને તેની સાથેનો રૂપન ચક્રવર્તી ગઈ તા.૦૫-૦૯-૨૦૨૫ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે બારડોલી, મહુવા, કરચેલીયા અને વ્યારા ખાતેથી હપ્તાના ઉઘરાણીના રૂપિયા લઈને તેમની મોટર સાયકલ પર બારડોલીથી નવસારી જવા નીકળ્યા હતા. તેઓ તાજપોર ગામ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક નંબર પ્લેટ વગરની કાળા કલરની ડોમિનાર સ્પોર્ટ્સ મોટરસાઇકલ અને બીજી કાળા કલરની નંબર પ્લેટ વગરની એક્ટિવા મોપેડ પર છ જેટલા લોકોએ પીછો કરીને રસ્તે આ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની બાઈકને આંતરી બંનેને બાઈક પરથી નીચે ઉતારી લૂંટારુઓએ બંનેને તેઓની બાઈકો પર અલગ અલગ વચ્ચે બેસાડીને બારડોલીથી નવસારી રોડ પરથી તેઓનું પલસાણા નેશનલ હાઈવે પર જાન્વી મોટર્સ સામેની ખેતરાડીના રસ્તે લાવી માર માર્યો હતો.

લૂંટારુઓએ ચપ્પુ બતાવીને નવીન તગવેલના ખિસ્સાના પર્સ માંથી રૂ.૧૨,૫૦૦ રોકડા અને રૂપન ચક્રવર્તી પાસેથી રૂ.૧૨,૦૦૦ મળી કુલ રૂ.૨૪,૫૦૦ લૂંટી લીધા હતા. લૂંટારુઓએ આ બંને કર્મચારી પાસેથી તેમની ફાઈનાન્સ કંપનીના મેનેજર કાર્તિક અપ્પા પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. લૂંટ ચલાવી આ છ લૂંટારા ભાગી ગયા હતા. હાલ જાણવા મળ્યું છે કે, આ લૂંટમાં સામેલ એકનું નામ માયા અને બીજો એક સુરતનો સાહિલ સલીમ પઠાણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અપહરણ અને લૂંટનો ભોગ બનેલા નવીન તગવેલે ઘટનાના ત્રણ દિવસ પછી માયા અને સાહિલ સહિત છ લૂંટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!