આજે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબો સરકારના મંત્રીઓએ આપ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યએ કામદારોના કામના કલાકો વધારવા અંગે સરકારને સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કામદારોના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ કર્યો : કોગ્રેસના આંકલાવના ધારાસભ્યએ સરકારને સવાલ કર્યો હતો કે, 31 જુલાઈ 2025ની સ્થિતિએ કામદારોના કામના કલાકો માટેનો વટહુકમ છેલ્લે ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો. સ્થિતિએ સદર વટહુકમમાં કામના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાકો સુધીના કરવાની મંજુરી કયા કારણોસર આપવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા છ મહિનામાં સરકારને વિરોધ દર્શાવતી કેટલી અરજીઓ મળી છે.
કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી : ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. આઠ કલાકથી વધારીને 12 કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. વટહુકમ સામે રાજ્ય સરકારને એક અરજી પણ મળી છે. સરકારે આ વટહુકમ લાવવા બદલ રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે તેવો દાવો કર્યો હતો.

