Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો મામલો : DEOએ સ્કૂલને નોટિસ ફટકારી,ખુલાસો માગ્યો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હલચલ મચાવી છે. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. આ ઘટનાએ શાળાની સલામતી અને વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

DEOની નોટિસ અને આક્ષેપો : DEOએ સેવન્થ ડે સ્કૂલને ICSE બોર્ડની માન્યતા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવાની ચેતવણી આપી છે.સ્કૂલે આ ઘટના અંગે શિક્ષણ વિભાગને કોઈ માહિતી આપી નથી, જેને DEOએ બેદરકારી ગણાવી છે. ઉપરાંત, સ્કૂલે ઘટના પછી પણ કોઈ અહેવાલ રજૂ ન કર્યો, જેના કારણે તેની માન્યતા રદ ન કરવા અંગે સ્પષ્ટ જવાબ માગવામાં આવ્યો છે.DEOની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે કોઈ પગલા લેવાયા ન હતા. વિદ્યાર્થી લોહીથી લથબથ હાલતમાં શાળાના પરિસરમાં પડ્યો હતો, પરંતુ સ્કૂલ વહીવટે એમ્બ્યુલન્સ બોલાવી ન હતી કે ન તો તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ પણ ઝઘડાની ઘટનાઓ બની હોવા છતાં, સ્કૂલે આ અંગે શિક્ષણ વિભાગને જાણકારી આપી ન હતી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. DEOએ સ્કૂલને ત્રણ દિવસની અંદર યોગ્ય ખુલાસો આપવા આદેશ આપ્યો છે, જેમાં સલામતી વ્યવસ્થા, ઘટનાની માહિતી ન આપવા અને વિદ્યાર્થીની સારવારમાં બેદરકારી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય, તો સ્કૂલની માન્યતા રદ થઈ શકે છે.

Advertisement
error: Content is protected !!