ગાંધીનગરનાં કલોલનાં છત્રાલમાં એક સાથે બે મહિલા હોમગાર્ડ અને પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે બે મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે, જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે આજે સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. 
આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી. આટલી વાતમાં રિક્ષા ચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષા ચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ વાતની અદાવત રાખીને રિક્ષા ચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને બે મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ ઘટનાથી બે મહિલા હોમગાર્ડ પણ હેબતાઈ ગઈ હતી. આ હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોંંઢા સહિત શરીર પર ઘણાં દાઝી ગયા છે. હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

