સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરાળા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂપિયા ૧૩.૩૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પોતાની ટીમ સાથે કરાળા ગામે સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી હતી.
આ રેઇડ દરમિયાન વિદેશી દારૂની કુલ ૩૬૯૪ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૧૩,૩૮,૮૦૫/-નો જથ્થો મળી આવ્યો હતો. આ રેડમાં પોલીસે વિકારા ધનજી પરમાર (રહે.પુણા ગામ, સુરત)ને પકડી લઈ વાહન, ૧ નંગ મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા ૨૩,૪૮,૮૦૫/-નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે વિકારા પરમારની પુછપરછ કરતાં વિદેશી દારૂની હેરાફેરીમાં રાજુ મરાઠી (રહે.કડોદરા, સુરત), ઉમેશ મેડી (રહે.દમણ) અને દારૂ ભરેલી ક્રેટા ગાડીના ડ્રાઇવર, ક્લીનર અને માલિક સામેલ હોવાની કબુલાત કરતા પાંચેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


