ઓલપાડના સાંધીએર ગામના શ્રમિક પરીવારની ૧૪ વર્ષની કિશોરીને તેના ફળિયામાં જ રહેતા શખ્સ સાથેના પ્રેમ સબંધ હતો. તેની ઊંમર નાની હોવાથી માતા અને મામાએ આગળ ન વધવા સમજાવી હતી. તેને મામા સાયણ પોતાના ઘરે લઈ ગયા હતા. જ્યાં મનદુ:ખ થતા મામા જયાં રહે છે તે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, સાંધીએર ગામે સરદાર કોલોનીમાં શૈલેષભાઈ રાઠોડ રહી મજૂરી કામ કરે છે. તેને સંજના નામની ૧૪ વર્ષની સગીર દિકરી હતી.સંજનાને તેના જ ફળિયામાં રહેતા અજીત નામના છોકરા સાથે અંગત મિત્રતા સાથે પ્રેમ સબંધ હોવાની જાણ તેણીની માતા સંગીતાબેનને થતાં તેમણે સાયણ ખાતે વિનાયક રેસીડેન્સીના મ.નં.૨૦૫માં ભાડેથી રહેતા તેના સગાભાઈ ધર્મેશ મુકેશભાઈ રાઠોડને જાણ કરી હતી.
જેથી સંજનાને તેની માતા અને મામાએ સાંધીએર ઘરે આવી સમજાવવા છતાં કોઈ ફરક પડયો ન હતો. મામા ધર્મેશભાઈ ભાણેજ સંજનાને સાયણ ખાતે પોતાના ઘરે લઈ ગયા હતાં. ત્યાં ફરી તેની માતા અને મામાએ સંજનાને છેલ્લા એક અઠવાડિયા સુધી આવું ન કરવા કે કોઈ ખોટું પગલું ન ભરવા સમજાવી હતી.
જેથી સંજનાને મનમાં ખોટું લાગી આવતાં તેણીએ ગત સોમવાર, તા.૧૪ ના રોજ સાંજે-૫ વાગ્યે મામા જ્યાં રહે છે, તે એપાર્ટમેન્ટના ચોથા માળેથી કમ્પાઉન્ડના પાછળના ભાગે ઝંપલાવ્યું હતું. જેથી તેણીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર માટે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન સંજનાનું મોત થયું હતું. આ બાબતે મૃતક સંજના રાઠોડના મામા ધર્મેશભાઈ રાઠોડે તા.૧૫ ના રોજ ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

