આણંદનાં ઉમરેઠ નડિયાદ રોડ ઉપર ઉમરેઠની ઓડ ચોકડી નજીક આવેલ એક પાર્ટી પ્લોટ સામે બે બાઈકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. બનાવ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉમરેઠ નજીકના જાખલા ગામના મોરપુરા ખાતે રહેતો ૨૭ વર્ષીય કમલેશ ઈશ્વરભાઈ ઠાકોર સાંજે બાઈક લઈને મિત્ર સાથે ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલ ફૂડની દુકાને ગયો હતો. જ્યાં જમીને કમલેશ પોતાના બાઈક નજીક ઉભો હતો.
જ્યારે તેનો મિત્ર પાર્સલ કરાવી રહ્યો હતો દરમિયાન પાછળથી પૂરઝડપે આવી ચડેલ અન્ય બાઈક ચાલકે પોતાનું બાઈક કમલેશના બાઈક સાથે અથડાવતા કમલેશ તથા અન્ય બાઈકનો ચાલક અને તેની પાછળ સવાર શખ્સ રોડ ઉપર પટકાયા હતા.
જેમાં ઉમરેઠના રાવળીયા ચકલા ખાતે રહેતા ચેતન ઈશ્વરભાઈ રાવળનું માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ત્યારે કમલેશ તથા અન્ય એકને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉમરેઠ પોલીસે કમલેશ ઠાકોરની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


