Explore

Search

June 12, 2026

Contact us -7820092500

IAS Coaching

સરગાસણની મહિલાને શેર બજારમાં રોકાણની લાલચ આપી રૂપિયા ૮૧.૨૫ લાખની છેતરપિંડી કરાઈ

ગાંધીનગરનાં સરગાસણ વિસ્તારમાં રહેતા મહિલાને શેર બજારમાં રોકાણની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૮૧.૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બનાવ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સરગાસણમાં આવેલ સ્વાગત ફ્લેમિંગો વસાહતમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર રંજનબેન કાંતિભાઈ સુથાર પણ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. જેમણે ફરિયાદ નોંધાવી હતી કે, જૂન ૨૦૨૪થી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમના ટેલિગ્રામ એકાઉન્ટમાં આકાંક્ષા શર્મા નામની વ્યક્તિએ તેમને શેરબજારના એક ગ્પમાં જોડયા હતા.

જ્યાં તેમને શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આકાંક્ષા શર્માએ એકાઉન્ટ મેનેજર સુજીત પંચાલ સાથે સંપર્ક કરવા કહ્યું હતું અને ત્યારબાદ તેમને એક લીંક મોકલી આપવામાં આવી હતી જેમાં વિગતો ભરીને પરત કરવા કહ્યું હતું ત્યારબાદ ૫૦ હજાર કે એક લાખ રૂપિયા જમા કરાવીને રોકાણની શરૂઆત કરવાનું કહેતા તેમણે રૂપિયા ભર્યા હતા અને તબક્કાવાર ૮૧.૨૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી ભરી હતી અને રોકાણ કર્યું હતું. જેમાં તેમને ૧.૮૯ કરોડ રૂપિયાનો નફો બતાવવામાં આવ્યો હતો. જોકે તેમણે તે ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બેથી ત્રણ વખત સફળતા મળી ન હતી અને તે માટે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાઇબર ગઠિયાઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!