વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં બીલપુડીના ડેરી ફળિયાના રહીશ શૈલેષભાઈ ઝીણાભાઈ માહલા બાઈક લઈને આસુરાના મોહનગઢ સ્થિત પેટ્રોલપંપની પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રકના ચાલકે શૈલેષભાઈની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા શૈલેષભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મૃતકના નાનાએ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક આરીફ મુદ્દીન સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે બીજા અકસ્માતની ઘટનામાં મોટી ઢોલડુંગરીના સીમાડ ફળિયામાં રહેતા હિતેશભાઈ રમેશભાઈ પટેલ નામના ખેડૂત સાંજના સમયે પત્ની આશાબેન સાથે બાઈક લઈને ગામમાં આવેલી દૂધની ડેરીમાં દૂધનો જથ્થો જમા કરાવવા ગયા હતા. કામ પતાવી દંપતી ગામમાં રહેતા રહીશના ઘરે ટ્યુશન ક્લાસમાં જતા પુત્ર મોનિકને લઈને ઘરે જવા નીકળ્યા હતા. પરિવારના સભ્યો ગામના દુકાન ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક નંબર વિનાની પલ્સર બાઈકના ચાલકે હિતેશભાઈની બાઇકને પાછળથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં પટેલ પરિવારના ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા. હિતેશભાઈ અને તેમના પુત્ર મોનિકનો બચાવ થયો હતો. જયારે આશાબેનને ગંભીર ઈજા થતાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આશાબેનનું મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતક મહિલાના પતિ હિતેશભાઈએ અકસ્માત સર્જનાર બાઈક ચાલક હર્ષ મુકેશભાઈ પવાર સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યાવહે હાથ ધરી હતી.(સૌજન્ય)


