નવસારીનાં વાંસદા મેઇન બજાર બાહ્મણ ફળિયું જૈન દેરાસર નજીક આવેલ નિલેશભાઈ પાંડુરંગ પારેખની સોનીની દુકાન આવેલી છે. નિલેશભાઈ પોતાનો છોકરો વડોદરા ભણતો હોવાથી તારીખ ૧૫/૬/૨૦૨૫ નારોજ વડોદરા ગયા હતાં અને ત્યાં રોકાયા હતાં તે દરમ્યાન પિતા પાંડુરંગભાઈ અને માતા શોભનાબેનએ એમની ગેરહાજરીમાં દુકાન ચલાવતા હતાં. નિલેશ પારેખે તારીખ ૧૭/૬/૨૦૨૫ નારોજ કામ પતાવી રાત્રીના સમય ઘરે આવી ગયા હતાં.
ત્યારબાદ તારીખ ૨૨/૬/૨૦૨૫ નારોજ દુકાનમાં સોનાની વસ્તુઓ મૂકવા માટે એક પ્લાસ્ટિક ડબ્બો રાખેલો તે ચેક કરતા તેમાંથી અંદાજિત આશરે ૨૪ ગ્રામની ચેન તથા અંદાજે ૧૦થી ૧૨ જેટલા મંગળસૂત્રના પેન્ડલ વજન આશરે ૩૦ ગ્રાામ નહી દેખાતા આ બાબતે પિતાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તારીખ ૧૭/૨/૨૦૨૫ નારોજ દુકાને બે ઇસમો આવેલા અને તેમણે ચેન અને પેન્ડલ આપણી દુકાને જોઈ ગયા હતા.
આ દરમિયાન દુકાનમાં ચેન તથા પેન્ડલની શોધખોળ કરતા મળી નહી આવતા દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની તારીખ ૧૭/૬/૨૦૨૫ નારોજની ફૂટેજ ચેક કરતા તેમાં બે અજાણ્યા ઇસમો કેમેરામાં દેખાતા હતા. આ ઈસમો ખરીદી કરવાના બહાને નજર ચૂકવી દાગીના જોવાના બહાને લઈ ચોરી કરી ગયા હોવાનું જણાતા આવતા વાંસદા પોલીસ મથકે અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ જાણ કરી હતી. આમ, પોલીસે આજુબાજુમાં લાગેલા કેમેરા ચેક કરતા બે ઇસમો બાઇક ઉપર આવેલા નજરે પડે છે. પરંતુ બાઈકના નંબર નહી દેખાતા આ અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે નિલેશ સોનીએ સોનાની ચેન રૂપિયા ૧,૭૫,૦૦૦/- અને મંગળસૂત્ર પેન્ડલ ૧૦થી ૧૨ જેની કિંમત રૂપિયા ૨,૨૫,૦૦૦/- કુલ મળી બન્નેની કિંમત રૂપિયા ૪ લાખની અજાણ્યા ચોરટાઓ ચોરી કરી ગયાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

