રાજ્યનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે ગુરુવારે 6 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, રાજકોટ સહિતના વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટમાં 3 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. 
રાજ્યમાં આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સાબરકાંઠાનાં ઈડરમાં 5.51 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ, જામનગરના જોડિયામાં 3.98 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી શહેરમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ બાદ અચાનક બપોરથી કાળાડિબાંગ વાદળો-ઠંડા પવન અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં 3 કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

