સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ટુંડા ગામે સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસની જુદી-જુદી બે રેઈડ દરમ્યાન કુલ રૂપિયા ૧,૮૨,૭૫૦/- કિંમતનું દેશી દારૂ ગાળવા માટે વપરાતું ગોળ પાણીનું રસાયણ કબ્જે લેવાયું હતુ. આ સાથે જ બે આરોપીને ઝડપી પડાયા હતા. જ્યારે સુરત શહેરના જહાંગીરપુરાથી ગોળ સપ્લાય કરતા વેપારીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ગતરોજ સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.
આ સમયે તેને સંયુક્ત બાતમી મળી હતી કે, કાંઠા વિસ્તારના ટુંડા ગામે, શેરી ફળિયામાં રહેતા હેમંત હસમુખ પટેલે તેના ઘરના વાડાના ભાગે દેશી દારૂ ગાળવા માટે પ્લાસ્ટિકના કેરબાઓમાં ગોળ પાણીનું રસાયણ ભરીને સંતાડેલું છે.
આ બાતમીને પગલે પોલીસે રેઈડ કરતાં તેના ઘરના વાડામાંથી દેશી દારૂ ગાળવા માટે વપરાતું ગોળ પાણીનું ૪,૩૧૦ લિટર રસાયણ જેની કિંમત રૂપિયા ૧,૦૭,૭૫૦ મળી આવ્યું હતુ. આ સાથે હેમંત પટેલને ઝડપી લેવાયો હતો. બીજી કાર્યવાહીની મળતી વિગતો એવી છે કે, ટુંડા ગામની જ શેરી ફળિયામાં રહેતા પ્રકાશ અમરત પટેલના ઘરના વાડામાં થયેલી રેઇડ દરમિયાન પોલીસને ૩,૦૦૦ લિટર ગોળ પાણીનું રસાયણ જેની કિંમત રૂપિયા ૩૫,૦૦૦ મળી આવ્યું હતુ. તેથી પોલીસે પ્રકાશ પટેલને ઝડપી પાડયો હતો. બંને કિસ્સામાં પોલીસે ઝડપાયેલ બંન્ને આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દારૂ ગાળવા માટેનો ગોળ તેઓને સુરત શહેરના જહાંગીરપુરામાં રહેતો દિનેશ શર્મા (મારવાડી) નામનો વેપારી ઘર સુધી સપ્લાય કરી જતો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

