Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

જૂનાગઢનાં વિસાવદર પંથકમાં ફરીવાર દીપડાનો આતંક શરૂ થયો

જૂનાગઢનાં વિસાવદર પંથકમાં ફરીવાર દીપડાનો આતંક શરૂ થયો છે. શોભાવડલા (ગીર)માં દીપડાએ એક વૃદ્ધાને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ આઠ દિવસ પહેલા લીલીયામાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલાખોર દીપડા પકડાતા નથી જેના કારણે ત્યાંના લોકોમાં ફફડાટ મચી ગયો છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા લીલીયામાં આઠ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે, જ્યારે શોભાવડલામાં પણ ચારથી વધુ પાંજરા મૂકી દીપડાને પકડવા મથામણ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં સફળતા મળતી નથી. અમરેલી જિલ્લામાં સિંહનો આતંક અને વિસાવદર પંથકમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. દીપડાના આતંકથી સ્થાનિક ખેડૂતો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે.

હુમલાખોર દિપડાઓ પકડાતા નથી અને હુમલાની ઘટના સતત વધતી જાય છે જેથી વનતંત્ર પણ ચિંતાતુર બની ગયું છે. વિસાવદર તાલુકાના લીલીયા ગામમાં ગત તારીખ 19ના બાબુભાઈ ગોવિંદભાઈ હિરપરા નામના ખેડૂત પર હુમલો કરનાર દીપડો હજુ પકડાતો નથી ત્યાં લીલીયાથી 6 કિલોમીટર દૂર આવેલ શોભાવડલા ગીર ગામમાં ગતરાત્રિના એક મકાનના ઘરમાં ઘૂસી દીપડાએ ભયનું લખલખું પ્રસરાવી દીધું હતું. શોભાવડલા ગીરમાં રાત્રિના અઢી વાગ્યા આસપાસ વાછડીનો શિકાર કર્યો તેવામાં માલિક જાગી જતા દિપડો ત્યાંથી ભાગી ગયો હતો.

ત્યારબાદ ચારથી સાડા ચાર વાગ્યાના અરસામાં દિવાળીબેન વસ્તાભાઈ વાઘેલા નામના વૃદ્ધા પોતાના કાચા મકાનમાં દરવાજો ખુલ્લો રાખી સુતા હતા ત્યાં અચાનક દીપડાએ આવી માથાના ભાગેથી તેમને પકડી શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. દિવાળીબેનને માથામાં ઇજા કરતાં તેમણે બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બનેલ દિવાળીબેનને સારવાર માટે પ્રથમ મેંદરડા અને હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણ થતાં વનવિભાગની ટીમ રાત્રિના દોડી ગઈ હતી અને ચારથી પાંચ જેટલા અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.

 

Advertisement
error: Content is protected !!