Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Court Order : રૂપિયાની લેતી દેતીમાં મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી

ગાંધીનગર નજીક શાહપુરમાં ત્રણ વર્ષ અગાઉ રૂપિયાની લેતી દેતીમાં મૂળ રાજસ્થાનના યુવક દ્વારા સાથી મિત્રની છરી મારીને હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને એક લાખ રૃપિયા દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસની મળતી વિગતો મુજબ, ગાંધીનગર નજીક આવેલા શાહપુર ગામમાં ભાડાની ઓરડીમાં રાજસ્થાનના યુવકો રહેતા હતા અને અહીં કામ કરતા હતા. જેમાં લેખુરામ ઉર્ફે લેખરામ રઘુનાથ જાટ રહે. નેછવા, જિ. સીકર, રાજસ્થાન તેમજ તેની સાથે વતનના સાથી સુરેન્દ્રસિંહ જશવંતસિંહ ભાટી અને અન્ય મિત્રો પણ રહેતા હતા.

દરમિયાનમાં ગત ૨૪ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રૂપિયાની લેવડદેવડ બાબતે લેખુરામ અને સુરેન્દ્રસિંહ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ તે તેને છાતીમાં છરી મારીને ભાગી છુટયો હતો. જેમાં સારવાર દરમિયાન સુરેન્દ્રસિંહનું મોત થયું હતું. જે ગુનામાં ડભોડા પોલીસ દ્વારા આરોપી લેખારામને ઝડપી લેવામાં આવ્યો હતો અને નજરે જોનાર બે સાક્ષીઓના ૧૬૪ મુજબ નિવેદન પણ કોર્ટમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે આ કેસનું ચાર્જશીટ એડિશનલ સેશન્સ જજ વી.જી.રાણાની કોર્ટમાં રજૂ કર્યું હતું અને સરકારી વકીલ પ્રિતેશ ડી.વ્યાસ દ્વારા કુલ ૨૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

આ કેસમાં તત્કાલીન પો.સ.ઇ. એ.એ. વછેટાની જુબાની ખુબ જ મહત્વની રહી હતી. તેમણે ગુનાની મહત્વપૂર્ણ તપાસ કરી હતી, જેમાં મૃતક અને આરોપીના કોલ ડિટેલની માહિતી રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરીને આરોપીને કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી અને સખત સજા કરવા રજૂઆત કરી હતી અને સમાજમાં દાખલો બેસે તે માટે પૂરી સજા કરવા જણાવ્યું હતું. મૃતકના વૃદ્ધ માતા-પિતા અને પરિવાર નોધારા બન્યા હોવાથી તેમને વળતર મળે તે માટે પણ રજૂઆત કરી હતી. જેના પગલે કોર્ટ દ્વારા આરોપી લેખુરામ ઉર્ફે લેખરામ રઘુનાથ જાટને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને એક લાખ રૃપિયા નો દંડ કરવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!