અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 211 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 189 મૃતદેહો પરિવારને સોંપાયા છે. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.કેશ જોશીએ માહિતી આપી છે. હજુ DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે 8 પરિવાર થોડા સમયમાં પાર્થિવ દેહ લઈ જશે.
2 પરિવાર આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે , 11 પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે. જેમ જેમ પરિણામો આવતાં જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે.

