ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૪થી ૧૬ ઈંચ વરસેલો મુશળધાર વરસાદ મુસીબત સાબિત થયો હતો. સતત બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાતા ૯૯ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પૂર જેવા પાણીમાં માર્ગો જળમગ્ન થઈ જતાં વાહન વ્યવહાર અને લોકોની અવર-જવર માટે ચમારડી, માઢિયા સહિત જિલ્લાના મુખ્ય હાઈ-વેથી લઈ તેને જોડતાં એપ્રોચ સહિતના અનેક નાના મોટા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ભાવનગર જિલ્લામાં ગત રવિવારથી શરૂ થયેલ અવિરત મેઘસવારી પણ જારી રહી હતી. સવારે ૬થી સાંજના ૬ કલાકના ૧૨ કલાકમાં જિલ્લામાં ઝરમરથી લઈ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
જેમાં ઉમરાળામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ રહેતા સાંજ સુધીમાં ૧૨૧ મિ.મી. (પાંચ ઈંચ) ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલ્લભીપુરમાં પણ જેઠમાં અષાઢી માહોલ વચ્ચે સાડા ચાર ઈંચથી વધુ (૧૧૫ મિ.મી.) પાણી વરસ્યું હતું.
ભાવનગરમાં એકધારે અનરાધાર દોઢ ઈંચથી વધુ (૪૦ મિ.મી.), ઘોઘામાં અર્ધો ઈંચથી વધુ (૧૪ મિ.મી.) અને ગારિયાધારમાં અર્ધો ઈંચ (૧૨ મિ.મી.), તળાજા (ત્રણ મિ.મી.) અને પાલિતાણામાં (ચાર મિ.મી.) પાણી વરસ્યું હતું. મહુવા અને જેસર પંથકમાં ગઈકાલે મેહૂલિયાએ બઘડાસટી બોલાવ્યા બાદ રાતથી જ વિરામ લીધો હતો. જેસરમાં બપોર બાદ વરાપ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી. ગત રાત્રિના સમયે વીજ ટ્રાન્સફોર્મર બળી જતાં જેસરમાં અંધારપટ છવાયો હતો.
બીજી તરફ શહેર અને જિલ્લામાંભારે વરસાદના પગલે જનજીવન રીતસર ઠપ્પ થઈ ગયું હતું. તો,અતિ ભારે વરસાદથી પ્રભાવિત ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જયારે, વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી જતાં મહિલાઓ સહિતના પરિવારજનો પાણી ઉલેચવામાં જ વ્યસ્ત રહ્યાં હતા. જિલ્લાના અનેક ગામો, માર્ગો પર જળમગ્ન બની જતાં લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા હતા. મુસીબતની મેઘમહેર વચ્ચે જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકની અંદર વધુ ૯૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ગારિયાધારના લુવારાથી ફીફાદ ગામ વચ્ચે મેરામણ નદીના બ્રીજ ઉપર ખાનગી કંપનીની બસ ફસાઈ જતાં ડ્રાઈવર સહિત છ વ્યક્તિને જેસીબી, ટ્રેક્ટર અને તરવૈયાઓની ટીમની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. તો,રાણીગામમાં કોઝવે પર બે વ્યક્તિ ફસાતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત, ચમારડી ગામે વાડીમાં પૂરના પાણી ઘસી આવતા ૧૪ લોકોના જીવ પડીકે બંધાયા હતા.
આ ઘટના અંગે વલ્લભીપુર મામતલદારે વહેલી સવારે ભાવનગર ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર જવાનોએ દોડી જઈ બોટની મદદથી તમામનું રેસ્ક્યુ કર્યું હતું. તેમજ પાલિતાણા તાલુકાના ત્રણ ગામમાંથી ૩૧ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ઉપરાંત, મગલાણા ગામે વાડી વિસ્તારમાં મહિલા સહિત ચાર વ્યક્તિ ફસાયા હોવાનો સંદેશો સિહોર એસડીએમએ આપતા ભાવનગર ફાયર વિભાગના સ્ટાફે દોડી જઈ બોટની મદદથી તમામના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.તો અન્ય એક ઘટનામાં સિહોરના પાલડી અને ઉમરાળાના ડંભાળિયા ગામ વચ્ચે આવેલ સુપ્રસિધ્ધ સીમાડાના મેલડી માતાજીના મંદિરે ૩૦થી ૩૫ શ્રધ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે કાળુભાર અને રંઘોળી નદીનું પાણી અચાનક ધસી આવતા તમામ શ્રધ્ધાળુઓ મંદિરમાં જ ફસાયા હતા. જેની જાણ થતાં ભાવનગર એનડીઆરએફની ટીમ, સિહોર ટીડીઓ, મામલતદારના સ્ટાફે બચાવ કામગીરી માટે સાધનો સાથે દોડી જઈ રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત, ભાલ-દેવળિયા ગામ પાસે ઘેલો નદીના નાળામાં કામ શરૂ હતી.
ત્યારે ચાર મજૂર ફસાતા તેમને સ્થાનિકોએ બચાવી લીધા હતા.તો, વલ્લભીપુરમાં વૈજનાથ મહાદેવ રોડ પર વાડી વિસ્તારમાં બેથી ત્રણ ખેતમજૂર ફસાતા તેમને રેસ્ક્યુ કરાયા હતા. અલગ-અલગ સ્થળોએ લોકો ફસાતા વહીવટી તંત્ર, સ્થાનિક તરવૈયા-સેવાભાવીઓની ટીમ રાત-દિવસ બચાવ કામગીરીમાં જોતરાયેલી રહી હતી. જયારે, બે દિવસમાં વરસેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો, નદી-નાળાઓમાં પાણીની ચિક્કાર આવક થઈ છે. તેમાં પણ સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તો પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયો છે. તો બીજી તરફ ભારે વરસાદમાં વૃક્ષો, જર્જરીત અને જૂના મકાનો ધરાશાયી થયાના પણ બનાવો સામે આવ્યા છે. પાલિતાણા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર પંચવટી શોપીંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાછળના ભાગેથી પાણી ધસી આવતા ઈલેક્ટ્રીક ઉપકરણો, દરજી, કાપડની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વ્યાપક નુકશાની થઈ હતી. જ્યારે ભારે વરસાદના પગલે ૨૦ જેટલા લોકોનું પટેલ હાઉસમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તાલુકામાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા આજે પણ શરૂ રહી હતી.

