Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

અમદાવાદમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો ધરાશાઈ થયો

અમદાવાદનાં શાહીબાગના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કોલ મળતા જ બચાવકાર્ય શરૂ કરાયું હતું. આ ઈમારત જે G+3 તરીકે વર્ગીકૃત કરાયેલું છે, જેના ત્રીજા માળે પતરાંનો શેડ આવેલો છે જેમાં તિરાડો પણ હતી અને બાંધકામ પણ નબળું પડી ગયું હતું. છેવટે આ ઘટનામાં અગાશી અને સીડીનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બીજા માળનો હિસ્સો પણ તૂટ્યો હતો.

સદનસીબે, ફાયર બ્રિગેડે અહીં રહેતા તમામ લોકોને ઝડપથી નીચે ઉતારી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી. શાહપુર ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, અમે જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હતી. સ્થાનિક સત્તાધિકારીઓને પણ આ જોખમ વિશે સૂચના અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂ કરી શકે છે. ખાસ કરીને ચોમાસું બેસી ગયું હોવાથી શહેરની તમામ જૂની ઈમારતોમાં રહેતા લોકોને સ્થાનિક વોર્ડ ઓફિસોમાં જાણ કરવા વિનંતી કરી છે.

Advertisement
error: Content is protected !!