વાપીનાં લવાછા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવાર આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતા જ નજીકમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. લાશ્કરોએ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વાપી તથા આસપાસના વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગના બનાવો હજી બની રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વાપી નજીકના લવાછા ગામે આવેલા ભંગારના ગોડાઉનમાં આજે શનિવારે વહેલી સવારે આગ સળગી ઉઠી હતી.
ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા આખુ ગોડાઉન લપેટમાં આવી ગયા બાદ આગના ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા ભારે ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી પણ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ઘટનાને પગલે વાપી નોટિફાઇડ, જીઆઇડીસી, વાપી મનપા સહિતના વિસ્તારના બંબા દોડી ગયા બાદ લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ ડુંગરા પોલીસની ટીમ પણ પહોંચી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે હજી બહાર આવ્યું નથી.

