તારીખ ૨૬થી તારીખ ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર સહિત તાપી જિલ્લના અને રાજયભરના અધિકારીશ્રીઓ ઓનલાઇન જોડાયા હતા.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ.
શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો. ગાંધીનગરથી થયેલી આ બ્રીફિંગ મીટીંગ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વસાવા અને જિલ્લા શિક્ષણાધિકારી તાપી જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન બાબતે કેટલીક વિગતો જણાવી હતી. તાપી જિલ્લામાં કુલ ૭૯૭ શાળાઓમાં ૬૭૮૭૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે નવા શૈક્ષણિક સત્રમાં બાલવાટિકામાં ૮૫૪૬, ધો.૧માં ૧૦૫૪ તથા ધો.૯માં ૧૨૦૬૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
તાપી જિલ્લામાં આ માટે કુલ ૬૪ રૂટ ફાઈનલ કરી અલગ અલગ અધિકારીઓની હાજરીમાં ૧૩૧૧૪ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. છેલ્લા વર્ષોમાં માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો વધવાથી આ વર્ષે ફોકસ માધ્યમિક પ્રવેશ પર વધારવામાં આવશે. આ વર્ષે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા એઆઈ આધારિત અર્લી વોર્નિંગ સીસ્ટમની વૈજ્ઞાનિક પદ્ધતિથી જે બાળકો શાળા છોડવાના છે તેનો સંકેત શાળાના આચાર્ચને આપવામાં આવશે જેનાથી તેનો સંપર્ક કરી તેને શાળા છોડવાથી અટકાવી શકાય. ગાંધીનગર ખાતેથી વર્ચુઅલી યોજાયેલી બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સહિત વિવિધ કચેરીના અધિકારી-કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા અને તાલુકા કક્ષાએથી અધિકારીઓ-કર્મચારીઓ ઓનલાઇન જોડાયા હતા.

