સુરત શહેરની અડાજણની દિવ્યાંગ યુવતીનું મનોબળ મજબૂત હોવાથી વિદેશ ખાતે અભ્યાસ કરીને દોઢ મહિના પહેલા સુરત આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સિવિલમાંથી મળેલી વિગત મુજબ, મૂળ મહેસાણાના ઉઝાંના વતની અને હાલ અડાજણ વિસ્તારમાં રિવર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતી ૩૬ વર્ષીય કિંજલ ભરતભાઈ ભાવસાર એપાર્ટમેન્ટનાં ૧૫માં માળેથી નીચે પડતું મુક્યું હતું. જેમાં તેને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. 
કિંજલના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, કિંજલના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસમાં જ પતિ સાથે મનમેળ નહીં થતાં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં અકસ્માતે તેને ઇજા થતાં મણકામાં તકલીફ થઈ હતી. જેના લીધે ચાલવામાં તકલીફ હોવાથી દિવ્યાંગ જેવી થઈ ગઇ હતી. દિવ્યાંગ થઇ જવા છતાં તેનું મનોબળ મજબૂત હોવાથી એક વર્ષ પહેલા વિદેશ ખાતે એમ.એસ ફાઇનાન્સનો કોર્સ કરવા ગઈ હતી. ત્યાંથી દોઢ માસ પહેલા સુરત ખાતે પરત ફરી હતી. બાદમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણોસર ડિપ્રેશનમાં આવી જવાથી ડોકટરની દવા ચાલી રહી હતી. આ સંજોગોમાં તણાવમાં આવીને આ પગલું ભર્યું હતું. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડયું હતું.

