અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં તારીખ 31 મે નારોજ નોંધાયેલા અપહરણ અને હુમલાનાં કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. શંકાસ્પદ પ્રેમ સંબંધને કારણે એક યુવકને ઉપાડી જઈ સ્મશાનમાં માર મારવામાં આવ્યો હતો. જોકે બાદમાં આ મામલે ફરિયાદ નોંધાતા સાણંદ અને અમદાવાદ પોલીસે સાથે મળીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ ફરિયાદ અનુસાર, નિધરાડ ગામના જયેશ ઠાકોર અને ત્રણ અજાણ્યા શખ્સોએ બપોરે 3 વાગ્યે પીડિતનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. 
આરોપી કથિત રીતે પોતાની દીકરી સાથેના પ્રેમ સંબંધનાં કારણે રોષે ભરાયો હતો. આ અદાવત રાખી આરોપી પોતાના મિત્રો સાથે કારમાં આવ્યો અને એકલિંગજી નજીકના ત્રણ રસ્તા પાસેથી ફરિયાદીનું અપહરણ કરી લીધું. બાદમાં તેને નિધરાડ ગામના સ્મશાનમાં લઈ જઈ તેને ઈંટ, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. આ સિવાય આરોપીઓએ પીડિતને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાણંદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સાણંદ પોલીસે અમદાવાદ ગ્રામીણ પોલીસની મદદથી આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી અને ટેકનિકલ દેખરેખ તથા ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી, તેમજ ગુનામાં વપરાયેલ વાહન અને હથિયારો બંને જપ્ત કર્યા હતા.

