સુરત શહેરના બમરોલી વિસ્તારમાં ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાયી કારખાનેદારને મોબાઈલ ફોનના ધંધામાં રોકાણ કરવાનું કહીને રૂ.૫૦.૫૦ લાખની રકમ એ.સી.વેચાણ કરતાં શખ્સે લીધા બાદ પરત નહીં કરીને છેતરપિંડી આચરી છે.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ બમરોલી રોડ સ્થિત મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં શૈલેન્દ્ર હરીરામ શ્રીયા (રહે.વૈષ્ણોદેવી સ્કાય, જહાંગીરાબાદ) ડિજિટલ પ્રિન્ટિંગના વ્યવસાયી છે. શૈલેન્દ્ર સાથે ૨૦૨૨માં એસીનો ધંધો કરતાં હર્ષ રજનીશ રાયગામના (રહે. ગોવર્ધન એપાર્ટમેન્ટ, વરાછા) સંપર્કમાં આવ્યા હતા.એસીની ખરીદી બાદ બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી.હર્ષે એક વખત આત્મહત્યાની કોશિશ કરતાં તેમના ઘરે ખબરઅંતર પૂછવા ગયા હતા. બે માસ પછી હર્ષ શૈલેન્દ્રના કારખાને ગયો હતો, જ્યાં તેમને કહ્યું કે મારી પાસે કોઈ કામધંધો નથી, હું મોબાઈલ ફોન એસેસરીઝ અને ઈલેક્ટ્રિકનો જથ્થાબંધ ધંધો કરવા માંગું છું, મારી પાસે નાણાકીય સગવડ નથી. તમે આ ધંધામાં રોકાણ કરશો તો નફો થશે તેમાંથી ૫૦ થી ૭૦ ટકા તમને આપીશ એવી લાલચ આપી હતી. હર્ષની વાતોમાં વિશ્વાસ કરી એપ્રિલ ૨૦૨૪થી નવેમ્બર વચ્ચેના સમયગાળામાં રૂ.૫૦,૦૫૫૦૦/-શૈલેન્દ્રે આપ્યા હતા. સમયાંતરે નફાની માંગણી કરતાં શૈલેન્દ્રે જુદા જુદા બહાને બતાવી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધીન વધુ તપાસ હાથ ધરી છે.


