સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી તેની સગી બેનને લઈને સરદાર બ્રિજ પર મોપેડ લઈને જતી હતી, એ સમય દરમિયાન બાઇક ઉપર ધસી આવેલા બે અજાણ્યાએ મોપેડની પાછળ બેસેલી યુવતીના હાથમાંથી બે મોબાઇલ ફોન કિંમત રૂ.૯૫ હજારને તફડાવીને ફરાર થઈ ગયા હતા. મોબાઇલ ખેંચતી વેળાએ યુવતીની મોપેડને ધક્કો લાગતાં એકાએક રસ્તા પર પડી જતાં ઈજા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ વન ભવનની બાજુમાં રહેતી ખુશી નિલેશભાઈ વૈદ (ઉ.૧૯) હાલ બીસીએનો અભ્યાસ કરી રહી છે. ગત તા.૮ ફેબ્રુઆરીના રોજ રાતે ૯ કલાકે સબંધીને લઈને હોસ્પિટલથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે સરદાર બ્રિજ ઉપરથી ખુશી વૈદ ની મોપેડને રસ્તા વચ્ચે બાઈક ઉપર આવેલા બે યુવાનોએ મોપેડની પાછળ બેસેલી પ્રિયાંશીના હાથમાંથી મોબાઈલ ફોન નંગ-૨ કિંમત કુલ રૂ.૯૫,૦૦૦ ને ખેંચી જઈને ભાગી છુટયા હતા. આ બનાવમાં મોપેડને ટક્કર લાગતા ખુશી અને તેની બેન પ્રિયાંશીને ઈજા પહોંચી હતી. બનાવ અંગે અડાજણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


