ઉચ્છલ તાલુકાના આમકુંટી ગામના મંદીર ફળીયામાં રહેતા કૃષ્ણભાઈ માહદુભાઈ વસાવા(ઉ.વ.૨૬) તથા તેમના પત્ની અંજનાબેન કૃષ્ણભાઈ વસાવા (ઉ.વ.૨૫) અને બહેન મંજુલાબેન ગત તારીખ ૧૮-૧-૨૫ નારોજ નારણપુર ગામે ભરાતા મેળામાં ગયા હતા, ત્યાંથી પરત આવ્યા બાદ સાંજના સમયે કૃષ્ણ વસાવા ફુગારાના કિનારે ગુલાબસિંગને લેવા ગયા હતા. ત્યાંથી આવીને થાકી ગયો હોવાનું કહી ઘરમાં પલંગ ઉપર સુતા હતા.
સાડા આઠેક વાગ્યાના સમયે મંજુલાબેને કૃષ્ણને કહ્યું કે એ મારો ભાઈ નથી તેમ કહેતા તેમના ભાભી અંજનાબેન કહ્યું કે તારો ભાઈ નહીં હોત તો તને કૃષ્ણ પૈસા કેમ આપે છે કહેતા ભાભી-નણંદ વચ્ચે બોલાચાલી થતી હતી. તે દરમિયાન અંજનાનો દિયર આકાશભાઈ અચાનક આવી ગયો હતો. જેણે ભાભીને કહ્યું કે, ઘરના લાકડા બધા જ તમે લઇ લીધા ને વેચી દીધા છે અને મારુ ઘર બનાવવા માટે લાકડા રાખ્યા નથી, તેમ કહી ઝઘડો કરી માર મારવા લાગ્યા હતા.
જોકે એકદમ ઉશ્કેરાઈ જઈ આકાશ માહદુભાઈ વસાવાએ પલંગમાં ઉંઘી રહેલા કૃષ્ણભાઇ માહદુભાઈ વસાવાનું જોરથી બે હાથથી ગળું દબાવી દઇ પતાવી દીધા હતા. નાનો ભાઈ ગળું દબાવી મોટા ભાઇની હત્યા કરી ભાગી ગયો હતો. હત્યા અંગે અંજનાબેન કૃષ્ણભાઈ વસાવાએ ભાઇની હત્યા કરનાર આકાશભાઈ માહદુભાઈ વસાવા સામે ઉચ્છલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

