પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે મૃતકોના પરિવારને રૂ. ૪-૪ લાખના ચેક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
માંડવી તાલુકાના બે હતભાગી મૃતકો (૧) સ્વ.પરેશભાઈ માધુભાઈ ચૌધરી ઉ.વ.૪૨ રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી તથા (૨) સ્વ.અજીતભાઈ વનસીભાઈ ચૌધરી ઉ.વ.૫૨ રહે.જુના કાકરાપાર બગલાટોઇ ફળિયું, તા.માંડવી કે જેઓ હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હેઠવાસમાં પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ઉપરોક્ત મૃતકોના વારસદાર અનુક્રમે નયનાબેન ચૌધરી અને રેવનીબેન ચૌધરીને રાજ્ય સરકારના એસડીઆરએફ ફંડમાંથી સહાય માટે આદિજાતિ મંત્રીશ્રીએ કરેલી રજૂઆતને પગલે ઝડપભેર મૃતક દીઠ ચાર લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ હતી.

