વલસાડ જિલ્લાના દિવેદ ગામના ધોડિયાવાડમાં રહેતા સુભાષભાઈ હળપતિ, પારડી સામે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તદમણ ખાતે નોકરી કરતી બહેન જયશ્રીબેન અને પત્ની મિતાલીબેન સાથે રહે છે. ગત તારીખ ૧૫-૧૦-૨૦૨૬ નારોજ સુભાષભાઈ તેની નોકરી પર હાજર હતા. તે સમયે પત્ની મિતાલીબેને રાત્રે કોલ કરી પતિને તે કંટાળી ગઈ છે અને અતુલ રેલવે સ્ટેશન પાસે જાઉં છું, તેવું જણાવી કોલ કટ કરી દીધો હતો.
ગભરાયેલ સુભાષભાઈ અતુલ દોડી આવ્યા હતા. સુભાષભાઈએ અતુલ રેલવે સ્ટેશન પાસે તે સમયે હાજર ટ્રેનના પાયલટને પૂછતાં પાયલટે કોઈક ઘટના બની હોવાની જાણ કરી હતી. સુભાષભાઈએ તપાસ કરતા પત્ની મિતાલીબેન સુરતથી વાપી તરફના ટ્રેક પાસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. મિતાલીબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડના ડોક્ટર હાઉસમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મિતાલીબેનનું ગત તારીખ ૧૬-૧૦-૨૦૨૬ નારોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિણીતાએ કોઈક મનદુ:ખ થવાના કારણોસર ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાનું જણાવી સુભાષભાઈએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)


