Explore

Search

October 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં નવાગામમાં મોબાઈલ ફોન અપડેટ થતા બેંક ખાતામાંથી રૂપિયા કપાયા, પોલીસે અજાણ્યા સામે ફરીયાદ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવાગામમાં રહેતા એક શખ્સનો મોબાઈલ ફોન આપોઆપ અપડેટ થતાની સાથે જ અજાણ્યા ઈસમોએ બે અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂપિયા ૧.૮૬ લાખ સેરવી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામના વતની અને હાલ કામરેજના નવાગામ સ્થિત સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા ૪૫ વર્ષીય શૈલેષભાઈ મનજીભાઈ નાકરાણી પત્ની દીપિકાબેન અને બે સંતાનો સાથે રહી સુરત કાપોદ્રા ખાતે હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ કાપોદ્રામાં પોતાનાં કામ પર હાજર હતા.

તે દરમિયાન અચાનક તેમનો મોબાઈલ ફોન આપમેળે અપડેટ થવા લાગ્યો હતો. તેમણે ફોન ચકાસતા નોટિફિકેશનમાં ઈન્ડસઈન્ડ બેંકનો એક ટેક્સ્ટ મેસેજ જોવા મળ્યો હતો, જેમાં તેમના ખાતામાંથી ૯૮ હજાર રૂપિયા ડેબિટ થયા હોવાનો ઉલ્લેખ હતો. આ અણધાર્યા મેસેજથી ગભરાઈ ગયેલા શેલેષભાઈએ સાથે કામ કરતા સાથી કારીગરને મેસેજ વંચાવતા ખાતામાંથી ખરેખર નાણાં કપાયા હોવાની પુષ્ટિ થઈ હતી. શૈલેષભાઈ તાબડતોબ હીરાબાગ સ્થિત ઈન્ડસઈન્ડ બેંકની શાખાએ દોડી ગયા હતા. ત્યાં બેંકે તાત્કાલિક તેમનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું. આ જ મોબાઈલ નંબર સાથે તેમનું આઈ સીઆઈસીઆઈ બેંકનું ખાતું પણ જોડાયેલું હોવાથી તેઓ ચિંતાતુર બનીને કાપોદ્રા સ્થિત આઇસીઆઇ સીઆઈ બેંકની શાખામાં પહોંચ્યા હતા.

ત્યાં બેંક મેનેજરે ખાતું તપાસીને માહિતી આપી હતી કે તેમના આ ખાતામાંથી પણ છેલ્લે ૮૮ હજાર રૂપિયા ઉપડી ચૂક્યા છે અને ખાતામાં માત્ર ૪૫ રૂપિયા જ બેંક બેલેન્સ બચ્યું છે. આ સાંભળીને શૈલેષભાઈ નાં પગ તળેથી જમીન ખસી જઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે રત્નકલાકાર શૈલેષભાઈનાં બંને બેંક ખાતાઓમાંથી કુલ ૧.૮૬ લાખ રૂપિયા શંકાસ્પદ યુપીઆઈ આઈડી ધરાવતા ખાતાઓમાં ગેરકાયદેસર રીતે તેમની જાણ બહાર ટ્રાન્સફર કરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. બનાવ અંગે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા શૈલેષભાઈ દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!