Explore

Search

October 10, 2026

Contact us -7820092500

IAS Coaching

કામરેજનાં હલધરૂ ગામમાં ચોરી થયાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં હલધરૂ ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ તેમજ સોનાનાં ઘરેણાં મળી કુલ રૂપિયા ૧.૩૫ લાખની કિંમતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની અને હાલ હલધરૂ ગામ ખાતે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટનાં ફ્લેટ નંબર-૨૧૭માં પરિવાર સાથે રહેતા ૩૦ વર્ષીય સંદીપ રામચંદ્ર યાદવ અને તેમનાં પત્ની સોનલ સુરતના કતારગામમાં ગોટાલાવાડી ખાતે આવેલી નીલકંઠ જેમ્સમાં હીરા મજૂરીનું કામ કરે છે.

ત્યારે દંપતી રોજિંદા નિત્યક્રમ મુજબ સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ચાર વર્ષના પુત્ર હર્ષ સાથે ફ્લેટને લૉક કરીને નોકરી પર જવા નીકળ્યું હતું. રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા ત્યારે મકાનની બારી ખુલ્લી હતી અને તેનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને ઘરમાં અંદર જઈને જોતા કબાટનું લોક પણ તૂટેલું હતું અને ઘરનો સરસામાન વેરવિખેર પડયો હતો જેથી ચોરીની શંકા જતા કબાટના લોકરમાં તપાસ કરવામાં આવી હતી.

જેમાં રાખવામાં આવેલા દાગીના અને ૧૫ હજાર રૂપિયા રોકડા ગાયબ જણાયા હતા. આમ, અજાણ્યો ચોર કબાટમાંથી કુલ રૂપિયા ૧.૩૫ લાખની કિંમતી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ બિલ્ડિંગની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા સાંજે ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો શખ્સ ચોરી કરીને નીકળતો નજરે પડયો હતો. ઘટના અંગે સંદીપ યાદવે કામરેજ પોલીસ મથકે પહોંચી અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!