નવસારી એલ.સી.બી પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી દમણથી સુરત લઈ ઇંગ્લિશ દારૂ ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા ૯.૭૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઇંગ્લિશ દારૂની હેરાફેરી અટકાવવા માટે હાઈવે ઉપર પેટ્રોલિંગ પર હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે, દમણથી બોલેરો પીકઅપ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે એલ.સી.બી.ની ટીમે બોરિયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમીમાં વર્ણન મુજબની પીકઅપ ગાડીને અટકાવી તેમાં તલાસી લેતા ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૮૫૫ જેની કિંમત રૂપિયા ૨,૭૪,૫૦૦/- મળી આવી હતી. આ સાથે જ ચાલક ઇશારામ ઉર્ફે ઇશ્વર કાલારામ ભીલ (રહે.નૈનોલ,તા.સાંચોર,જિ.જાલોર,રાજસ્થાન)ને ઝડપી પાડી ઇંગ્લીશ દારૂ અને પીકઅપ ગાડી તેમજ મોબાઇલ ફોન મળી રૂપિયા ૯,૭૯,૫૦૦/- લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જયારે પોલીસે આ ગુનામાં ઇંગ્લીશ દારૂ ગાડીમાં ભરી આપી સુરતના પલસાણા ખાતે પહોંચાડવાનું કહેનાર બુટલેગર નરેશકુમાર ઉર્ફે રમેશ સરદારારામ પુરોહીત (હાલ રહે.વરાછા રોડ, સુરત શહેર, મૂળ રહે. દાતીવાસ, તા. ભીનમાલ, જિ. જાલોર, રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


