નિઝર : નિઝર તાલુકાના સાયલા ગામની સીમમાં ખેડૂતોના ખેતરો અને બોરવેલમાંથી સબમર્સિબલ મોટરના તાંબાના કેબલ વાયર ચોરી કરવાના બનાવનો પર્દાફાશ થયો છે. આ મામલે સાયલા પોલીસે એક આરોપીને ઝડપી પાડી બે અજાણ્યા શખ્સો સામે પણ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખેતરમાંથી પરત ફરેલા રામચન્દ્રભાઈ જર્મનસીંગભાઈ નાઈકે મોટર બંધ હોવાનું જણાતા તપાસ કરતાં સ્વીચ બોર્ડ નજીકથી કેબલ વાયર કપાયેલો જોવા મળ્યો હતો. નજીકના વિસ્તારમાં ધુમાડો અને પ્લાસ્ટિક બળવાની ગંધ આવતાં તપાસ કરતાં નિલેશ કિશોર વળવી નામનો શખ્સ થેલો ફેંકીને શેરડીના ખેતરમાં નાસી ગયો હતો.
પોલીસે સ્થળેથી મળેલા થેલામાંથી સળગાવેલા કેબલમાંથી કાઢેલા તાંબાના તારનો ગુચ્છો તથા દાતરડું કબજે કર્યું હતું. ઉપરાંત નંબર વગરની હોન્ડા એક્ટિવા પણ મળી આવી હતી.તપાસ દરમિયાન અન્ય ખેડૂતોના ખેતરોમાંથી પણ કેબલ વાયર ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. કુલ ૨૮૧ મીટર કેબલ વાયર, અંદાજે રૂ. ૫,૬૨૦ની કિંમતનો, ચોરાયો હોવાનું નોંધાયું છે.આ મામલે સાયલા પોલીસે નિલેશ કિશોર વળવી સહિત બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


