સુરત ઉત્તરના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન ભાજપના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચે થયેલી ઝપાઝપીમાં જયશ્રીબેન અને તેમના પતિને ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ભાતની વાડી સોસાયટીના પ્રશ્નો અને ડિમોલિશન મુદ્દે યોજાયેલી બેઠક દરમિયાન પક્ષપાતના આક્ષેપોને પગલે વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાસ્થળે હાજર આગેવાનો અને કાર્યકર્તાઓએ વચ્ચે પડી બંને પક્ષોને અલગ કર્યા હતા.ધારાસભ્યની હાજરીમાં બનેલી આ ઘટનાએ ભાજપમાં આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે. મામલાના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે અને હવે પક્ષ હાઇકમાન્ડ શિસ્તભંગ અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.


