Explore

Search

July 1, 2026

Contact us -7820092500

IAS Coaching
Latest News

Today’s Latest News : કચ્છમાં મેગા બુલડોઝર ડ્રાઈવ : સરહદથી શહેર સુધી ગેરકાયદે દબાણો પર તંત્રનો કડક કોરડો, કરોડોની સરકારી જમીન મુક્ત

ભુજ: પાકિસ્તાન સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો ગુજરાતનો કચ્છ જિલ્લો રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ જ કારણસર સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને સરકારી જમીનોને ગેરકાયદે દબાણમાંથી મુક્ત કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્રે મેગા બુલડોઝર અભિયાનને વધુ વેગ આપ્યો છે. કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વન વિભાગ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી સરહદથી લઈને શહેર સુધી અનેક સ્થળોએ ગેરકાયદે બાંધકામો અને કબ્જાઓ સામે સખત કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અભિયાન અંતર્ગત રાપર અને બાલાસર સહિતના સરહદી વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી ઝુંબેશને હવે વધુ ઝડપ આપવામાં આવી રહી છે, જેથી સરહદી વિસ્તારમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદે અતિક્રમણ ટકી ન શકે.

કંડલા પોર્ટ વિસ્તારમાં પણ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી નોંધાઈ છે. ગત 28 જૂને ઇફ્કો (IFFCO) કોમ્પ્લેક્સના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મસ્જિદ અને અન્ય ગેરકાયદે દરગાહને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી. લાંબા સમયથી વિવિધ કાનૂની પ્રક્રિયાઓના કારણે કાર્યવાહી અટવાયેલી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાતું હતું, પરંતુ આખરે વહીવટી તંત્રે કાયદાકીય કાર્યવાહી અમલમાં મૂકી ગેરકાયદે બાંધકામ દૂર કર્યું.આ સમગ્ર અભિયાન દરમિયાન કંડલા પોર્ટ આસપાસની અંદાજે 100 વીઘા સરકારી જમીન દબાણમુક્ત કરાઈ હોવાનું તંત્રે જણાવ્યું છે. અંદાજે રૂ. 250 કરોડની કિંમતની આ સરકારી જમીન હવે સરકારના કબજામાં આવી છે અને ભવિષ્યમાં કોસ્ટલ સિક્યુરિટી તેમજ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

વન વિભાગે પણ આરક્ષિત જંગલ વિસ્તાર બચાવવા માટે નખત્રાણા અને દયાપર રેન્જમાં વિશાળ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 20 જેસીબી અને 15 ટ્રેક્ટરોની મદદથી 400 હેક્ટરથી વધુ આરક્ષિત જંગલ વિસ્તારમાં થયેલી ગેરકાયદે ખેતી તથા કબ્જાઓ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત આડેસર વિસ્તારમાં ભૂ-માફિયાઓના કબજામાં રહેલી આશરે 10 હજાર ચોરસ મીટર સરકારી જમીન પણ છોડાવવામાં આવી છે. આ જમીન પર નવા પોલીસ સ્ટેશનના નિર્માણની દરખાસ્તને પણ મંજૂરી મળી હોવાનું જાણવા મળે છે.શહેરી વિસ્તારોમાં પણ તંત્રની કાર્યવાહી એટલી જ કડક રહી છે. ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના સૌંદર્યીકરણ, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર માર્ગોને ખુલ્લા રાખવાના હેતુથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધુ ગેરકાયદે બાંધકામો દૂર કર્યા છે.

જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, પાકિસ્તાન સાથેની લાંબી આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાનમાં રાખીને કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને સરકારી મિલકતોના સંરક્ષણ માટે ગેરકાયદે દબાણો સામેનું આ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. તંત્રનો સ્પષ્ટ સંદેશ છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદે અતિક્રમણ હવે સહન કરવામાં આવશે નહીં.

Advertisement
error: Content is protected !!