ખોડીયાર નગર સ્થિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષકોની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવાની નથી, પરંતુ તેમને સારા અને જવાબદાર નાગરિક તરીકે ઘડવાની પણ છે.
વાલીઓ શિક્ષકો પર વિશ્વાસ મૂકી પોતાના બાળકોને શાળામાં મોકલે છે, તેથી શિક્ષકોએ નિષ્ઠાપૂર્વક બાળકના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું જોઈએ.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને ભારમુક્ત અને આનંદદાયક શિક્ષણ મળે તે જરૂરી છે. સાથે રમતગમત, વિજ્ઞાન, સંગીત અને કલા ક્ષેત્રે પણ કેળવણી આપવાથી વિદ્યાર્થીઓ જીવનમાં પડકારોનો સામનો કરવા સક્ષમ બને છે. વાલીઓને બાળકોમાં સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલીની ટેવો વિકસાવવા પણ તેમણે અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડોદરા નગર શિક્ષણ સમિતિની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હાલમાં 49,924 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચાલુ વર્ષે કુલ 7,544 વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા છે. તેમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે 1,354 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ લીધો છે. તેમણે આ સિદ્ધિને શિક્ષણ સમિતિ અને જિલ્લા તંત્રની મહત્વપૂર્ણ સફળતા ગણાવી હતી.ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઈને ફરી શાળામાં જોડવાના પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંકડા મુજબ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 4,167 બાળકોને પ્રવેશ અપાયો હતો. ધોરણ 1થી 8 સુધીમાં ખાનગી શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ સહિત કુલ 7,544 વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા છે. દિવ્યાંગ બાળકો માટે વિશેષ પ્રવેશ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, દિવ્યાંગ રમતવીરો અને પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવા પ્રવેશ મેળવનારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને શૈક્ષણિક જીવનની શરૂઆત માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયાએ જણાવ્યું કે “વિઝન-2030” અંતર્ગત શહેરની વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ અને CSR સંગઠનોને શિક્ષણ ક્ષેત્રે જોડવામાં આવશે. શાળાઓમાં હાઇટેક સુવિધાઓ, શિક્ષકો માટે તાલીમ સેમિનાર અને વિદ્યાર્થીઓને અનુભવજન્ય શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી નવી શિક્ષણ નીતિના અમલીકરણને વેગ મળશે.


