ગુજરાત સરકારે આણંદ જિલ્લાના ધુવારણ નજીક મહી નદી પર અંદાજિત રૂ.1700 કરોડના ખર્ચે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોથી સાકાર થનારી આ મહત્ત્વાકાંક્ષી યોજના મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે.
183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ : આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીના જણાવ્યા મુજબ મહી નદીના અંદાજે 4.5 કિલોમીટર પહોળા પટમાં 2 કિલોમીટર લાંબું બ્રીજ સ્ટ્રક્ચર બનાવાશે. આશરે 70 દરવાજાઓ દ્વારા ચોમાસામાં દરિયામાં વહી જતું મીઠું પાણી સંગ્રહિત કરી શકાશે. બેરેજના નિર્માણથી લગભગ 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ થશે, જે પીવાના પાણી, કૃષિ અને ઉદ્યોગોને લાંબા ગાળે લાભદાયી બનશે.
16 હજાર હેક્ટર વિસ્તારમાં ખારાશની સમસ્યાનો ઉકેલ : હાલમાં દરિયાઈ પાણી મહી નદી મારફતે અંદાજે 50 કિલોમીટર સુધી અંદર પ્રવેશી જમીનમાં ખારાશ વધારતું રહ્યું છે. બેરેજ બન્યા બાદ મીઠા પાણીનો સંગ્રહ વધતા જમીનની ખારાશમાં નોંધપાત્ર ઘટાડો થશે.આ યોજનાથી અંદાજે 16,000 હેક્ટર વિસ્તારને સીધો લાભ મળશે. ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થતાં ખેડૂતોને વધુ પાક ઉત્પાદનની તક મળશે.
80 ગામોના 15 લાખ લોકોને મળશે શુદ્ધ પીવાનું પાણી : બદલપુર બેરેજ યોજના અમલમાં આવ્યા બાદ આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 ગામો સહિત કુલ લગભગ 80 ગામોના 15 લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. કદાણા ડેમ પરની નિર્ભરતા ઘટી સ્થાનિક સ્તરે પાણીનો સ્થાયી સ્ત્રોત ઊભો થશે.
ખંભાત-દહેજ વચ્ચેનું અંતર 75 કિમી ઘટશે : આ બેરેજ કમ બ્રિજ પરિવહન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. ખંભાત અને તારાપુર વિસ્તારથી જંબુસર તથા દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટેનું અંતર આશરે 75 કિલોમીટર જેટલું ઘટશે.પરિણામે ઇંધણ અને સમય બંનેની બચત થશે તેમજ દહેજ PCPIR અને ખંભાત-તારાપુર પટ્ટા વચ્ચે વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
409 ગામો અને 32 તળાવો થશે લાભાન્વિત : યોજનાના સીધા અને પરોક્ષ લાભો આણંદના 152, વડોદરાના 164 અને ભરૂચના 81 સહિત કુલ 409 ગામો સુધી પહોંચશે. ઉપરાંત 32 તળાવો પણ લાભાન્વિત થશે.ખેતી, ઉદ્યોગ, રોજગારી અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો સર્જાતા સ્થાનિક યુવાનોનું સ્થળાંતર ઘટવાની સંભાવના છે.
વિકાસયાત્રાનું નવું સીમાચિહ્ન : મુખ્યમંત્રી Bhupendra Patelના નેતૃત્વમાં સાકાર થનારી બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ યોજના પાણી સંચય, ખારાશ નિયંત્રણ અને પરિવહન સુવિધાના ત્રિવેણી સંગમ સમાન સાબિત થશે. ચરોત્તરથી ભરૂચ સુધીના વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસ માટે આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનવાની અપેક્ષા છે.


