Explore

Search

June 26, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News Today : પૂર્વ કચ્છમાં નકલી વોડકા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખા (એલસીબી)એ અંજાર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલી એક વાડાની ઓરડી પર દરોડો પાડી કેમિકલ અને એસેન્સમાંથી નકલી ઈંગ્લિશ દારૂ (વોડકા) બનાવતી ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

એલસીબીની ટીમે ગોવર્ધન ટેકરીથી સતાપર જવાના માર્ગ પર આવેલા વાડા પર કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 200 લિટરના બેરલોમાં રાખવામાં આવેલું 600 લિટર પાણી જેવું કેમિકલ, 200 લિટર દારૂ જેવા રંગવાળું કેમિકલ, 30 લિટર દ્રાવણ, જામુન ફ્લેવરનું એસેન્સ તથા તેમાંથી તૈયાર કરાયેલો 300 લિટર નકલી વોડકા દારૂ મળી આવ્યો હતો.આ ઉપરાંત પોલીસે ‘મેજિક મોમેન્ટ્સ’ બ્રાન્ડની 180 એમ.એલ. ક્ષમતાની 1,056 ભરેલી પ્લાસ્ટિક બોટલો, 6,300 ખાલી બોટલો, ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન, સીલિંગ મશીન, બુચ, નકલી સ્ટીકરો અને હોલોગ્રામ સહિત કુલ રૂ. 8.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જપ્ત કરાયેલા કેમિકલ અને તૈયાર દારૂ માનવ આરોગ્ય માટે કેટલા ઘાતક છે તેની તપાસ માટે પોલીસે ફોરેન્સિક લેબોરેટરીના નિષ્ણાતોની હાજરીમાં સેમ્પલ એકત્ર કર્યા છે.પોલીસે સ્થળ પરથી સતાપર ગામના સુનિલ શામજી માતા અને રમજાન હમીર કાસમ જુણેજા (ઉંમર 26 વર્ષ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંતરજાળના કિશોર નાગજી વ્યાસ તથા આદિપુરના કેસરનગર વિસ્તારના રાજેશ ઉર્ફે રાજુ રઘુ પ્રજાપતિની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

એલસીબીના પીઆઈ જે.એમ. વાળા અને પીએસઆઈ ડી.જી. સહિતની ટીમે આ સફળ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ વધુ વેગવંતી બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ વિસ્તારમાં અગાઉ પણ આ જ પદ્ધતિથી સંચાલિત નકલી દારૂની ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે. માર્ચ 2018માં આદિપુર પોલીસે અંતરજાળની બાલાજી સોસાયટીમાં દરોડો પાડી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની નકલી વ્હિસ્કી બનાવવાનો ભાંડો ફોડ્યો હતો. તે સમયે બૂટલેગર સુરેશ કરસન ચાવડા (આહીર) અને રાજુ પ્રજાપતિ પોલીસ દરોડાની જાણ થતાં ફરાર થઈ ગયા હતા.હાલની કાર્યવાહીમાં પણ અગાઉના કેસમાં ફરાર રહેલા રાજુ પ્રજાપતિ અને તેના સાગરીતોની સંડોવણી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે.

Advertisement
error: Content is protected !!