સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવએ સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લઈ જેલની કાયદો-વ્યવસ્થા તેમજ બંદિવાનોના કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન ડીજીપીએ જેલમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને સુચારુ બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા તેમજ કાર્યક્ષમતા વધારવા રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ તેમણે જેલના વિવિધ વિભાગો અને કેદીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જેલમાં ચાલી રહેલી શિક્ષણ, પુનર્વસન અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી મેળવી હતી.આ પ્રસંગે જેલવાસ દરમિયાન અભ્યાસ કરીને ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવનાર બંદિવાનોને ડૉ. રાવના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે સફળ બંદિવાનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સૌથી અસરકારક સાધન છે.ડીજીપીએ બંદિવાનોને જેલમુક્તિ બાદ સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનપૂર્વક જોડાઈ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. તેમણે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ દ્વારા જીવનમાં નવી દિશા પ્રાપ્ત કરવાની હાકલ પણ કરી હતી.


