દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે ACB એ સફળ ટ્રેપ ગોઠવી તાલુકા પંચાયત કચેરીના જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઈ ભરાડીયાને રૂ.3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBની માહિતી મુજબ, ફરિયાદીના અસીલોના ખેતીના જમીન સંબંધિત “તગાવીનું લેણું બાકી નથી” તેવું પ્રમાણપત્ર સમયસર કાઢી આપવા બદલ આરોપીએ પ્રતિ પ્રમાણપત્ર રૂ.1,000 મુજબ કુલ રૂ.3,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.ફરિયાદના આધારે 23 જૂન, 2026ના રોજ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.3,000ની લાંચની રકમ સ્વીકારી હતી, જેને ACBએ સ્થળ પરથી જ કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી ACB દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આઈ. મંધરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ તરીકે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ કર્યું હતું. ACB દ્વારા આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


