ભરૂચ : જિલ્લાના અંકલેશ્વરમાં ACB એ સફળ ટ્રેપ ગોઠવી ભાડકોદ્રા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારને રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.ACBની માહિતી મુજબ ફરિયાદીના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું.
આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ આરોપી હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂ. 25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. પ્રાથમિક ચકાસણી બાદ ACB વડોદરા ફિલ્ડ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી પાસે આવેલી એક ટી સ્ટોલ બહાર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 25 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચની સમગ્ર રકમ કબજે કરવામાં આવી છે. હાલ ACB દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


