Explore

Search

June 20, 2026

Contact us -7820092500

IAS Coaching

૧૧૨ જન રક્ષક ટીમની સતર્કતા: તાપી નદીના પુલ પર આત્મહત્યા કરવા જતા આધેડને ઉગારાયા

ગુજરાત સરકારની ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ અને કુકરમુંડા પોલીસની ત્વરિત કામગીરીના કારણે એક આધેડનો કિંમતી જીવ બચાવી લેવામાં સફળતા મળી છે.

૧૮ જૂનના રોજ કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના ૫૦ વર્ષીય કિશનભાઇ તામાભાઇ પાડવી ઘરના સામાન્ય કામકાજ બાબતે પુત્ર સાથે થયેલી બોલાચાલીથી નારાજ થઈને આત્મહત્યા કરવા રીક્ષા લઈને ફૂલવાડી તાપી નદીના પુલ તરફ નીકળી ગયા હતા. આ અંગે તેમના જમાઈ રાજેન્દ્રકુમારે તુરંત જ રાત્રે ૯:૩૮ કલાકે ‘૧૧૨’ હેલ્પલાઈન પર ફોન કરીને પોલીસને તાત્કાલિક મદદ માટે જાણ કરી હતી. માહિતી મળતા જ કુકરમુંડા પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ૧૧૨ જન રક્ષક મોબાઈલ વાનના ઇન્ચાર્જ આ.પો.કો. ભરતકુમાર ગજુજી, ડ્રાઈવર અંકિત રમેશભાઈ અને હોમગાર્ડ સભ્ય કવલજીત જયવંતભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક તાપી નદીના પુલ પર દોડી ગયા હતા. પોલીસે પુલ પરથી આત્મહત્યા કરવા જઈ રહેલા કિશનભાઈને સમયસર ઝડપી પાડી સુરક્ષિત રીતે અટકાવ્યા હતા.

પોલીસ ટીમે આધેડને પોલીસ સ્ટેશન લાવીને સમજાવ્યા હતા અને તેમનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. સમજાવટ બાદ કિશનભાઈએ હવે પછી આવું કોઈ ખોટું પગલું ન ભરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પોલીસે તેમને સુરક્ષિત રીતે તેમના જમાઈ સાથે ઘરે મોકલી આપ્યા હતા.તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ અને નાયબ પોલીસ અધિક્ષક આઈ.એન. પરમારની સૂચના હેઠળ ૧૧૨ હેલ્પલાઈનની ટીમે બજાવેલી આ પ્રશંસનીય ફરજને કારણે પંથકમાં પોલીસની કામગીરી બિરદાવવામાં આવી રહી છે.

Advertisement
error: Content is protected !!